- મતદારોને રીઝવવા કોઇ રાજકિય પાર્ટીના ઇશારે દારૂ ઠલવાયો હોવાની શક્યતા
- બંગલાના માલિક સહિત બે શખ્સોના નામ ખુલ્યા, બંને ફરાર
- દારૂના જથ્થાની કિંમત 21 લાખ જેટલી હોવાનો અંદાજો
ગાંધીનગર નજીકના અડાલજમાં આવેલ એક બંગલામાં એલસીબીએ પુર્વ બાતમીના આધારે દરોડો પાડી વિદેશીદારૂની અધધધ 500 પેટી જપ્ત કરી હતી. આટલી મોટી માત્રામાં મળી આવેલા દારૂના જથ્થાથી એક સમયે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ મામલે બે શખસો સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે. જોકે, દરોડા સમયે બંને શખસો સ્થળ પર મળી આવ્યા નહતા. પોલીસની પ્રાથમિક તપાસમાં દારૂ ગઇકાલે રાત્રે જ ઉતારવામા આવ્યો હોવાનું બહાર આવ્યુ છે. જે શખસોના નામ ખુલ્યા છે તે પૈકી એક શખસ એક રાજકિય પાર્ટીના ઉમેદવાર સાથે નજીકનો સબંધ ધરાવતા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. મતદારોને રીઝવવા માટે આ દારૂ મંગાવવામાં આવ્યો હોવાનું પણ કહેવાય છે. જપ્ત કરાયેલા દારૂના જથ્થાની કિંમત 21 લાખ જેટલી થવા જાય છે.આ મામલે પોલીસે નાશી છુટેલા શખસોને ઝડપી લેવા માટે તજવીજ હાથધરી છે.
ચૂંટણી દરમિયાન દારૂની રેલમછેલને રોકવા માટે પોલીસ દ્વારા સધન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. ચૂંટણી પ્રચાર આવતીકાલથી સંપન્ન થશે. ત્યારપછીના બે દિવસ દરમિયાન મતદારોને રીઝવવા દારૂ સહિતનું વિતરણ કરાતું હોય છે. આજ સંભાવનાને ધ્યાને રાખીને પોલીસ પણ ચારેબાજુ પોતાની બાજનજર રાખીને બેઠી હતી ત્યાં આજે અડાલજમાં પોલીસને દારુનો મોટો જથ્થો હાથ લાગી ગયો. જે રાજકીય પક્ષનો આ દારુ હતો તેના તમામ ગણિત ઉંધા પડી જતાં સોંપો પડી ગયો છે. એલસીબી-1 અડાલજ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમીના આધારે પોલીસ ઇન્સપેક્ટર દિવાનસિંહ વાળા સહિતના સ્ટાફે અડાલજ બાલાપીર દરગાહની સામે આવેલ વૈભવ બંગલામાં દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન મકાન ખોલતા જ પોલીસની આંખો ચાર થઇ ગઇ હતી. બંગલાના રૂમો દારૂની પેટીઓથી ભરેલા હતા. દારૂની પેટીઓને બહાર કાઢીને ગણતરી કરવામાં આવી હતી. સ્થળ પરથી કુલ દારૂની 500 પેટીઓ મળી આવી હતી. જેની બજાર કિંમત 21 લાખ જેટલી થવા જાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંગલો વિશાલ પ્રમોદભાઇ પટેલનો હોવાનું ખુલ્યુ છે. આ દારૂમાં સિધ્ધાર્થ સુરેશભાઇ પટેલ (રહે. અડાલજ , હાલ રહે. નરોડા)નું નામ પણ ખુલ્યુ છે. જોકે, આ બંને શખ્સો બનાવ સમયે સ્થળ પરથી મળી આવ્યા નહતા. આ શખ્સો પૈકી સિધ્ધાર્થ પટેલ એક રાજકિય પાર્ટીના ઉમેદવાર સાથે નજીકનો ધરોબો ધરાવતા હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. જોકે, બંનેની ધરપકડ બાદ જ સાચી હકિકત બહાર આવશે. દારૂ મતદારોને રિઝવવા માટે મંગાવ્યો હોવાની થિયરી પર પોલીસ તપાસ ચલાવી રહી છે.
રાજસ્થાનથી આવેલા કન્ટેનરમાંથી ગઇકાલે રાત્રે જ દારૂ ઉતર્યો હતો
અડાલજમાંથી ઝડપાયેલા 500 પેટી ઝડપાયા બાદ આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંતી ઠાલવવામાં આવ્યો તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ દારૂ ગઇકાલે જ એક કન્ટેનર મારફત વૈભવ બંગલામાં ઉતારવામાં આવ્યો હતો. દારૂ ભરેલુ કન્ટેનર રાજસ્થાનથી આવ્યુ હોવાની શક્યતા પોલીસ જોઇ રહી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
દારૂ ભરેલુ અન્ય એક કન્ટેનર ગાયબ !
અડાલજમાંથી વિદેશીદારૂની 500 પેટીઓ ઝડપાયા બાદ ચર્ચાતી વિગતો મુજબ, આ દારૂ ભરેલા કન્ટેનરની સાથે અન્ય એક દારૂ ભરેલુ કન્ટેનર પણ અડાલજ તરફ આવ્યુ હતું. જે પૈકી એક કન્ટેનરમાંથી અડાલજ વૈભવ બંગલામા દારૂ ઉતારવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક કન્ટેનર ક્યાંક ગાયબ થઇ ગયુ હતું. આ ગાયબ કન્ટેનરમાં પણ દારૂની પેટીઓ ભરેલી હતી. આ દારૂ ક્યાં ઉતર્યો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. પોલીસનું ધ્યાન પુન્દ્રાસણ તરફ છે. સંભવત : આ દારૂ ભરેલુ કન્ટેનર પુન્દ્રાસણ તરફ ગયુ હોવાનું કહેવાય છે. જે કન્ટેનર સહિસલામત નિયત સ્થળે પહોંચે તે માટે તેનું પાયલોટિંગ પણ થયુ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. આ મામલે પોલીસે ઝીણવટભરી તપાસ હાથધરી છે. ચર્ચાતી વિગતો મુજબ, આ કન્ટેનરનો દારૂ પણ કોઇ રાજકિય પાર્ટીના ઉમેદવારે મતદારોને રિઝવવા માટે મંગાવ્યો હોવાનું કહેવાય છે. જોકે, હાલ તુંરત આ દારૂ ભરેલુ કન્ટેનર ભુગર્ભમાં ઉતરી ગયુ છે.